Wednesday, 14 August 2019

બુનિયાદી શિક્ષણ એટલે શું ?

ઈ. સ. ૧૯૯૬માં જેક્સ ડેલોર્સના અધ્યક્ષપદે રચાયેલા આંતરરાષ્ટ્રીય પંચના ‘૨૧મી સદી માટેના શિક્ષણ’ના અહેવાલમાં ગાંધીની નઈ તાલીમનું પ્રતિબિંબ પડે છે. તેમાં ગાંધી વિચારના તેજ લિસોટા જોવા મળે છે. વર્તમાન શિક્ષણની દુર્દશા જોતાં શિક્ષણ વ્યવસ્થાને નઈ તાલીમ તરફ વાળવાને સમય પાકી ગયો છે

ગુજરાતમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે પદયાત્રાઓ ચાલી રહી છે. ભાવનગર જિલ્લામાં ૧૬મી જાન્યુ.થી શરૂ થયેલ ગાંધી પદયાત્રાનું સમાપન ગઈ કાલે ૨૨ જાન્યુ.ના રોજ લોકભારતી સણોસરામાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાની નિશ્રામાં થયું. ગાંધી વિચાર સાથે નવી પેઢી જોડાય, અહિંસક, ન્યાયી, સમાનતા અને બંધુતા સાથે શોષણવિહીન સમાજનું નિર્માણ થાય તે ઉદ્દેશથી ૭ દિવસીય પદયાત્રામાં અનેક ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો અને યુવાનો જોડાયા હતા.
           મણાર, બેલા, માયાધાર, શેત્રુંજી ડેમ, વાળુકડ, પાણિયાળી, આંબલા જેવી બુનિયાદી શિક્ષણને વરેલી લોક શાળાઓ જોડાઈ હતી. દેશ-વિદેશમાં ગાંધીમૂલ્યોને વરેલા કાર્યરત કર્મશીલો, સમાજ અગ્રણીઓ, કાનૂન, જાહેર વહીવટ, ફિલ્મ, કળા અને સાહિત્ય ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓ સાથેની પદયાત્રા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
        ગ્રામ દક્ષિણામૂર્તિ મણારથી પ્રારંભ થયેલ પદયાત્રા મુખ્યપથ પરના ૧૩ સહિત ૧૫૦ ગામોમાં ગાંધીમૂલ્યો આધારિત અનેક સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગાંધી વિચારનો પ્રેરક સંદેશ ગુંજતો થયો છે. ‘બા-બાપુ ૧૫૦’ નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠના ઉપક્રમે ૨૯ જાન્યુ.થી ૨૮ ફ્રેબુ. ૩૦ દિવસીય પદયાત્રાનો પ્રારંભ પોરબંદરથી અને સમાપન ગાંધીઆશ્રમ અમદાવાદમાં થનાર છે. ૪૪૦ કિ.મી.ચાલનારી લાંબી પદયાત્રામાં અનેક સંસ્થાઓ જોડાઈ છે. બુનિયાદી શિક્ષણ સંસ્થાઓમાં ચાલતા નઈ તાલીમના પ્રયોગોએ મોડે મોડે પણ ગુજરાત સરકાર અને ભારત સરકારે નોંધ લેવા માંડી છે. જે બુનિયાદી શિક્ષણ અંગે આશાસ્પદ વાતાવરણ ઊભું કરે છે.  ધર્મ, સંસ્કૃતિ, સમાજકારણ, રાજકારણ, અર્થકારણ વગેરે ક્ષેત્રમાં એમનું આગવું ચિંતન રહ્યું છે. શિક્ષણક્ષેત્રે રાષ્ટ્રને એમણે જે કંઈ આપ્યું તે સૌમાં બુનિયાદી શિક્ષણ સૌથી મોટી અને આખરી ભેટ હતી. આજની નવી પેઢીને બુનિયાદી શિક્ષણ, ખરી કેળવણી, નઈ તાલીમ શબ્દો નવા લાગે. શિક્ષિતવર્ગ, પ્રબુધ નાગરિકો અને રાજપુરુષોને તેની પૂરી જાણકારીના અભાવે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. આ પરિપ્રેક્ષ્યમાં બુનિયાદી શિક્ષણની વિસ્તૃત જાણકારી આપવાનો પ્રસ્તુત લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગાંધીજી એક આર્ષદૃષ્ટા : ભૂતકાળના સાંસ્કૃતિક વારસાની વિશેષતા, વર્તમાનની વાસ્તવિકતા અને ભાવિના એંધાણ જે પારખે તે આર્ષદૃષ્ટા કહેવાય. ગુલામી પહેલાં ભારતમાં ગામડે ગામડે, ઘેર ઘેર ઉદ્યોગ હતો. પ્રજા ઉદ્યમશીલ હતી. સમૃદ્ધિનું સર્જન કરી ખાધેપીધે સુખી હતી. ઘર ઘરનો ઉદ્યોગ બ્રિટિશ શાસનમાં મૃતઃપાય બનતાં પ્રજા આળસુ, વ્યસની, વહેમી, અજ્ઞાન અને ગરીબ થતી ગઈ. ગાંધીજી આ હાર્દ પામી ગયા. બીજું તત્ત્વ એ જોયું કે અંગ્રેજોના આગમનને ઘણાં વર્ષ પૂર્વે ભારતના પ્રજાજીવનમાં ધાર્મિક સંસ્કારના નામે ‘સ્વચ્છતા’ વ્યાપી હતી. પરિણામે વ્યક્તિ અને સમાજ, સુઘડ હતા. સ્વચ્છતાનો ખ્યાલ દૂર થતાં પ્રજાજીવનમાં ગંદકી, રોગ વ્યાપક બન્યા, આરોગ્યના ધામ-શાં અને નંદનવન સમાં ભારતના ગામડાં ઉકરડા જેવા બન્યા.

ત્રીજું તત્ત્વ ભારતીય ગ્રામ્ય જીવનમાં સંયુક્ત કુટુંબપ્રથાની સામે પારસ્પારિક આપ-લેની ભાવના હતી. પ્રજા જીવનમાં સહકાર, મદદ, સહાનુભૂતિ અને સ્વાર્પણની જ્યોત સદા ઝળહળતી હતી. ગુલામીકાળમાં આ પ્રથા અને ભાવનાનો નાશ થયો. સમૂહ ભાવનાને બદલે વ્યક્તિવાદ ફાલ્યો-ફૂલ્યો. માનવ- માનવનું, મિત્ર-મિત્રનું અને ભાઈ-ભાઈનું ગળું કાપે એવો ભયંકર ઝેરી ‘સ્વાર્થવાદ’ જન્મ્યો. એક આર્ષદૃષ્ટા તરીકે ગાંધીજી આ વાત સમજી શક્યા. સર્વ દુઃખો, અજ્ઞાનતા, ગરીબાઈ દૂર કરવાના એકમાત્ર રામબાણ ઇલાજ તરીકે પોતાના જીવનભરના પ્રયોગોના નીચોડરૂપ ‘બુનિયાદી શિક્ષણ’ના સિદ્ધાંતોની ભેટ આપી. એટલું જ નહીં, ‘રાષ્ટ્રને આ મારી સર્વોત્તમ દેણગી છે’ એમ કહીને ‘નઈ તાલીમ’નું મૂલ્ય અનેક ગણું વધારી દીઘું.

બુનિયાદી કેળવણીનું હાર્દ : ‘મારું જીવન એ જ મારો સંદેશ’ એમ કહેનાર આ મહામાનવે વિચારમાં અને આચારમાં અનન્ય ઐક્ય સાધ્યું હતું. હકીકતમાં તો તેઓ નહોતા શિક્ષક કે નહોતા કેળવણીકાર! ભારતની શિક્ષણપ્રથાને ધરમૂળમાંથી બદલી નાંખવાનો ક્રાંતિકારી વિચાર એમના મનમાં રાતોરાત આવ્યો ન હોતો. કોઈ આકસ્મિક ઘટના બની હોય અને ફળસ્વરૂપ શિક્ષણની પદ્ધતિનો દોષ દેખાયો હોય એવું પણ બન્યું નહોતું. શેઠ અબ્દુલા માટે કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજીને વિશાળપાયે (સમષ્ટિગત) વકીલાત માટે ત્યાંના ‘પ્રજાજીવનના અન્યાયના પ્રશ્નો’ મળ્યા. એમાંથી અહિંસક સત્યાગ્રહનો જન્મ થયો. જેલમાં ગયેલા આશ્રમવાસીઓના બાળકોના શિક્ષણની જવાબદારી તેમના શિરે આવી પડી.  આ આર્ષદૃષ્ટા મહાપુરુષે ‘વ્યક્તિના જીવનઘડતરમાં શિક્ષણનો શો ફાળો’? પ્રશ્ન પર ઊંડાણથી ચિંતા-ચિંતન-મનન કરતાં જે સત્ય ખોળી કાઢયું ,તે ભારત આવ્યા પછી લગભગ ૨૦ વર્ષે બુનિયાદી કેળવણીનું હાર્દ બન્યું. દક્ષિણ આફ્રિકામાં ‘ફિનિકસ આશ્રમ’ અને ટોલસ્ટોય ફાર્મમાં પ્રયોગો કર્યા : રસ્કિન, ટોલસ્ટોય અને શ્રીમદ્ રાજચંદ્રની જીવન ઉપયોગી વિચારસરણીની એમના જીવન પર ઊંડી છાપ હતી. તેનું પ્રતિબિંત તેમના શિક્ષણ વિચારોમાં ઝીલાયું છે. તેના ત્રણ મુખ્ય તત્ત્વોઃ ૧. બાળકને એની માતૃભાષા દ્વારા શિક્ષણ. ૨. અન્ન, વસ્ત્ર અને આવાસની જરૂરિયાતોને પોષે એવા શ્રમયુક્ત ઉદ્યોગ દ્વારા શિક્ષણ. ૩ શોષણવિહીન સમાજરચના માટે ઊંચ-નીચ, ગરીબ-તવંગર,સ્પૃશ્ય-અસ્પૃશ્યના ભેદ વિના તમામ સ્તરના બાળકોને સમૂહજીવન જીવવાની તક મળે તેવી છાત્રાલય યુક્ત શિક્ષણ વ્યવસ્થા.

ગાંધીજીનું ચિંતન અને ચિંતા : દક્ષિણ આફ્રિકાથી વિજયી બની ભારત આવેલા ગાંધીએ પ્રથમ ભારત ભ્રમણ કર્યું.વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો. દુઃખી-પીડિત પ્રજાનાં દુઃખ દારિદ્રયનો ઉકેલ શોધવા ચિંતન-મંથન કર્યું. એમને સમજાતું ગયું કે, પરદેશી હકૂમત નીચે કચડાઈ ગયેલી પ્રજા કેવળ ભૌતિક અને આર્થિક રીતે જ દિનહીન-કંગાળ નહોતી, સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ પાંગળી અને નિર્માલ્ય હતી. એક કાળે પ્રજાજીવનમાં ઘેર ઘેર ગૃહઉદ્યોગો હતા, સહકારયુક્ત સમૂહજીવન હતું, ખુમારીભર્યું સ્વાવલંબીપણું હતું, તેનો ક્રમશઃ નાશ થતાં બેકારી, આળસ અને વ્યસનોની નાગચૂડમાં ભારતનું પ્રજાજીવન ભરખાં લઈ રહ્યું હતું.

રોજી રળવા આવેલા શ્રમજીવીઓના આવાસોની બાજુમાં નરક જેવી પરિસ્થિતિ હતી. એક બીજાને મદદરૂપ બનવાની ભાવનાનો શહેરી સંસ્કૃતિના યંત્રવત જીવનમાં છેદ મુકાઈ ગયો હતો. શાળા-મહાશાળાઓમાં શિક્ષણના નામે અપાતું પુસ્તકિયા જ્ઞાન કેવળ માહિતી હતી. નોકરી અને પદવી વચ્ચે એવો સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો કે,પદવી વગર નોકરી મળતી નહોતી. યેનકેન પ્રકારેણ પદવી મેળવવા વિદ્યાર્થી માહિતી ગોખી ગોખીને કંઠસ્થ કરતો હતો. પરીક્ષા આવ્યા પછી ગોખેલું ભૂલી જતો હતો. હાલના શિક્ષણની આ જ તાસીર છે.

બુનિયાદી શિક્ષણની બુનિયાદ : ઈ.સ. ૧૯૩૭માં ગાંધીએ વર્ધા શિક્ષણ પરિષદમાં કેળવણીની યોજના રજૂ કરી. જે વર્ધા શિક્ષણના નામે જાણીતી થઈ. બુનિયાદી શિક્ષણ માત્ર અક્ષરજ્ઞા।ન નહીં, પણ શરીર, મન અને આત્માનો સમતુલિત વિકાસ કરતી કેળવણી. જીવન દ્વારા જીવન પર્યંતની કેળવણી. ઉત્પાદક શ્રમ દ્વારા કેળવણી આપવાની યોજના એટલે બુનિયાદી શિક્ષણ, ઉદ્યોગ, સ્વચ્છતા, સમૂહજીવન અને સમવાયના ચાર પાયાવાળી તાલીમ તે બુનિયાદી શિક્ષણ. શિક્ષણની બુનિયાદરૂપે ૫ મૂળ સિદ્ધાંતોનો જન્મ થયો. ૧. સાર્વત્રિક શિક્ષણ ૨. માતૃભાષા દ્વારા શિક્ષણ ૩. શિક્ષણમાં સ્વાવલંબન ૪. ઉદ્યોગ દ્વારા શિક્ષણ ૫ સમવાયી શિક્ષણ.પાછળથી તેમાં પાંચ સહાયક તત્ત્વો ઉમેરાયા. ૧. આરોગ્ય શિક્ષણ. ”નઈ તાલીમ સફાઈ સે શુરુ હોતી હૈ” સૂત્ર પ્રચલિત બન્યું. ૨. રાષ્ટ્રભાષા હિન્દીનું શિક્ષણ. ૩. સહશિક્ષણ ૪. ચારિત્ર્ય ઘડતર અને ૫. છાત્ર નિવાસ સાથેનું શિક્ષણ.

 

No comments:

Post a Comment

Featured post

બુનિયાદી શિક્ષણ એટલે શું ?

ઈ. સ. ૧૯૯૬માં જેક્સ ડેલોર્સના અધ્યક્ષપદે રચાયેલા આંતરરાષ્ટ્રીય પંચના ‘૨૧મી સદી માટેના શિક્ષણ’ના અહેવાલમાં ગાંધીની નઈ તાલીમનું પ્રતિબિંબ પડે ...