જાદુઈ ઘડો
આ વાર્તા એક ખેડૂત અને એક જાદુઈ ઘડાની છે. કાનપુર નામના ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેનું નામ રામ હતું. તે ખુબ જ સરસ અને સમજદાર વ્યક્તિ હતો. તેની પાસે પાંચ એકર જમીન હતી. એ ખેડૂત હોવા છતાં પણ પોતાના ખેતરમાં અનાજ ન ઉગાડી શકતો. બીજા ખેડૂતો પાક વાવતા અને કાપતા. પણ રામના ખેતરમાં ક્યારેય અનાજ પાકતું જ નહિ. તેના ખેતરની જમીન બંજર બની ગઈ હતી.
રામને આમ ખેતરમાં મજુરી કરતો જોઈને બીજા ખેડૂત કહેતા ‘રામ તું આટલી મહેનત શું કામ કરે છે? તારા ખેતરમાં કંઈ જ પાકતું જ નથી. આજ સુધી આ ખેતરે તને એક દાણો પણ આપ્યો નથી. તારે આ બંજર જમીન વેચી દેવી જોઈએ અને કોઈ નવી જમીન ખરીદવી જોઈએ.’
ત્યારે રામે જવાબ આપ્યો, ‘આજ જમીન પર મારા વડવાઓ ખેતી કરતા ને પુષ્કળ અનાજ ઉગાડતા. નક્કી મારામાં જ કંઇક ભૂલ છે. પણ આમાં અનાજ ઉગાડીને જ રહીશ.’ આમ રામ કોઈપણ કિંમત પર જમીન વેચવા તૈયાર ન હતો.
એક દિવસની વાત છે. રામ પોતાના ખેતરમાં ખેદાન કરતો હતો. આ દરમ્યાન તેનું હાલ જમીનમાં કોઈ વસ્તુ સાથે અથડાયું. તેણે એ જગ્યાએ ખોદીને જોયું. તો ત્યાં નીચે જમીનમાં એક ઘડો દટાયેલો હતો. તેણે ખોદીને એ ઘડો બહાર કાઢ્યો. તેણે ઘડો ખોલ્યો પણ જોયું તો ઘડામાં કંઈ જ ન હતું. તે ખાલીખમ હતો. આખો દિવસ કામ કરીને તે થકી ગયો હતો. એટલે તેણે એ ઘડો ખેતરમાં એક બાજુ મુકીને ઘરે ચાલ્યો ગયો. ઘડો મુકતી વખતે તેના ખિસ્સામાંથી એક રૂપિયાનો સિક્કો એ ઘડામાં પડી ગયો. એનો તેને ખ્યાલ ન હતો. તે ઘરે ચાલ્યો ગયો.
બીજા દિવસે સવારે તે પાછો ખેતરમાં આવી કામ કરવા લાગ્ય્યો. તેણે વળી પાછો ઘડો જોઈને તે જોવા માટે ઘડો હાથમાં લીધો. ઘડો જોઈને તેને ખુબ જ નવાઈ લાગી. ઘડો હવે ખાલી ના હતો. તેમાં રૂપિયાના સિક્કા હતાં. તેણે બધા સિક્કા બહાર કાઢીને ગણ્યા તો તે સો સિક્કા હતાં. હવે તેણે સમજાઈ ગયું કે આ ઘડો કોઈ સામાન્ય ઘડો ન હતો. પણ એક જાદુઈ ઘડો હતો. તેણે તે ચકાસવા માટે અનાજનો એક દાણો એ ઘડામાં નાંખ્યો. તેણે જોયું કે તે એક દાણાના સો દાણા થઈ ગયા હતાં.
આ બધું જોઈને રામ તો રાજી રાજી થઈ ગયો. તે ઘડો લઈને ઘરે ગયો. પછી તો રામને જે વસ્તુ જોઈએ તે એક વસ્તુ તે ઘડામાં નાખતો. તો તેવી બીજી સો વસ્ત્ બની જતી. પછી તો રામ રોજ પોતાની જોઈતી વસ્તુઓ ઘડામાં નાંખી બીજી વધારે વસ્તુઓ મેળવતો. અને બજારમાં વેચતો. આમ તેનું જીવન હવે સુખી બની ગયું હતું. એને આમ રાતો રાતો પૈસાદાર બનેલો જોઈને રાજાના એક સૈનિકને વહેમ ગયો, ‘આ રામ રાતો રાત આટલો બધો સુખી કેવી રીતે બની ગયો!’ તેણે રામની ચોકી કરવાનું નક્કી કર્યું.
એક દિવસ રામ ઘડામાંથી પોતાની જોઈતી વસ્તુ કાઢી રહ્યો હતો. ત્યારે રાજાનો સૈનિક આ જાદુઈ ઘડો અને તેનો ચમત્કાર જોઈ ગયો. તેણે આ વાતની જાણ પોતાના રાજાને કરી. રાજા તો આ સાંભળી ખુબ નવાઈ પામ્યો. તેમનાં માં પણ લાલચ જાગી. તેને એમ થયું કે આવો જાદુઈ ઘડો તો મારા ખજાનામાં જ હોવો જોઈએ. આમ નક્કી કરી તેણે રામને ઘડા સાથે રાજ દરબારમાં આવવાનું ફરમાન કર્યું.
રામ તો ઘડો લઈને દરબારમાં હાજર થયો. રાજાના કહેવાથી રામે ઘડાનો જાદુ રાજાને બતાવ્યો. રાજા તો ઘડાનો જાદુ જોઈને ખુશ ખુશ થઈ ગયા. પણ તેમના મનમાં એક વિચાર આવ્યો કે આ ઘડો આ જાદુ કઈ રીતે કરતો હશે. આમ વિચારી તે ઘડામાં માંથું નાંખી જોવા લાગ્યા. આમ કરતાં કરતાં અચાનક રાજાજી ઘડામાં પડી ગયા. અને થોડીક જ વારમાં તો એ રાજા જેવા જ બીજા સો રાજા ઘડામાંથી બહાર આવ્યા. અને એ બધા પોતે અસલી રાજા છે એમ કહી અંદર અંદર ઝઘડવા લાગ્યા.
છેવટે ઘડાનો જાદુ દૂર કરવા માટે ઘડાને તોડી નાખવાનું નક્કી કરવામાં આવ્યું. ઘડો તુટતાની સાથે જ બધા નકલી રજાઓ ગાયબ થઈ ગયા અને એક જ અસલી રાજા સહી સલામત રહી ગયા. રાજાને પણ પોતાની લાલચ માટે સંકોચ થયો. તેમણે રામને ઘરે જવા મુક્ત કર્યો. રામ ઘરે જઈને ખેતરે ગયો.
પણ આજે તો ખેતરને જોઈને રામ રાજી રાજી થઈ ગયો. જે ખેતરમાં તે વરસો સુધી મહેનત કરીને અનાજ ઉગાડતો હતો. ત્યાં કશું જ ઉગતું નહિ. પણ આજે તો આખું ખેતર લીલાછમ પાકથી લહેરાતું હતું.
હવે તેણે પોતાના ખેતરની જમીન કેમ બનજાર હતી તે સમજાઈ ગયું. તેણે ભગવાનનો આભાર માન્યો અને મહેનત કરીને ખેતી કરવા લાગ્યો.
No comments:
Post a Comment