Thursday, 15 August 2019

બાલ કવિતા અને ગીતો

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.


કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા,


એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.


માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?


બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.


− હરીન્દ્ર દવે


ચોમાસે અજમો,લસણ ભલા
પણ બારે માસ ત્રિફલા ભલા

ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન
શાકાઆહારને લીધે, તે ઘરડા પણ થાય જવાન.

રોટલા, કઠોળ અને ભાજી,તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુ રસ ને મધ મેળવી,ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી,અને વેદના ભાગે તેના જરૂર.

ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા,પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.

ફણગાવેલા કઠોળ જે ખાય,તે લાંબો,પોહળો અને તગડો થાય,
દૂધ,સાકર,એલચી,વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય.

લીંબુ કહે-હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.

ચણો કહે-હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણાદાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.

મગ કહે-હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ.

કારેલું કહે- કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો,ડાયાબીટીસની બાંધુ ચોટલી.

આમલી કહે-મારામાં ગુણ એક જ,પણ અવગુણ છે પુરા ત્રીસ,
લીંબુ કહે-મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ.

ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે,દર્દ નામ કદી ન લે એ જોગીનું.


ચાલો, ચાલોને જોઆ જઇએ,  પોપટભાઇ પરણે છે.
પેલા દરજીડાએ કપડા સીવ્યા,  પોપટભાઇ પરણે છે.
પેલી સુગરીએ માળૉ શણગાર્યો,  પોપટભાઇ પરણે છે.
પેલો હોલો વગાડે ઢોલ,  પોપટભાઇ પરણે છે.
પેલા તેતર વાજા વગાડે,  પોપટભાઇ પરણે છે.
પેલા બતક બેન્ડ બજાવે,  પોપટભાઇ પરણે છે.
પેલી કોયલડી ગીત મીઠા ગાતી,  પોપટભાઇ પરણે છે.
પેલો મોરલો તો મન મૂકી નાચે,  પોપટભાઇ પરણે છે.
પેલી ઢેલડી તો રાસે રમતી,  પોપટભાઇ પરણે છે.
પેલા બગલા ડોક હલાવે,  પોપટભાઇ પરણે છે.
પેલી કાબર પીઠી ચોળે,  પોપટભાઇ પરણે છે.
પેલી સમ્ડી વીંઝણો ઢોળે,  પોપટભાઇ પરણે છે.
પેલી નીલકંઠ સાજ સજાવે,  પોપટભાઇ પરણે છે.
પેલી ચકલી લુણ ઉતારે,  પોપટભાઇ પરણે છે.
પેલો ડ્રોંગો પૂંછડી હલાવે,  પોપટભાઇ પરણે છે.
પેલા હંસલા મારગ બતાવે,  પોપટભાઇ પરણે છે.
પેલી મેના ઘણી શરમાતી,  પોપટભાઇ પરણે છે.
પેલો પોપટો તો મેનાને લાવ્યો,  પોપટભાઇ પરણે છે.
પેલા બપૈયા વરઘોડીયાને પોંખે,  પોપટભાઇ પરણે છે.
પંખીડાનો હરખ ના માયે,  પોપટભાઇ પરણે છે







 


No comments:

Post a Comment

Featured post

બુનિયાદી શિક્ષણ એટલે શું ?

ઈ. સ. ૧૯૯૬માં જેક્સ ડેલોર્સના અધ્યક્ષપદે રચાયેલા આંતરરાષ્ટ્રીય પંચના ‘૨૧મી સદી માટેના શિક્ષણ’ના અહેવાલમાં ગાંધીની નઈ તાલીમનું પ્રતિબિંબ પડે ...