ત્યાગ
હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં!
સો સો દિવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહીં!
ના આંસુથી, ના ઝુલ્મથી, ના વસ્લથી, ના બન્ધથી,
દિલ જે ઊઠ્યું રોકાય ના! એ વાત છોડો કેદની!
સૌ ખુશ રહો જેમાં ખુશી! હું જ્યાં ખુશી તે હું કરું!
'શું એ હતું? શું આ થયું?' એ પૂછશો કોઈ નહીં!
કૈં છે ખુશી! કૈં છે નહીં! દિલ જાણતું-જે છે તે છે!
જ્યાં જ્યાં કરી પેદા ખુશી ત્યાં ત્યાં ખુશી દિલ છે નકી!
પેદા કર્યો'તો ઈશ્ક ત્યાં ના કોઈને પૂછ્યું હતું;
એ ભૂંસવા જો છે ખુશી તો પૂછવું એ કૈં નથી.
છે ઈશ્ક જોયો ખૂબ તોં જોવું હવે જે ના દીઠું,
કિસ્મત બતાવે ખેલ તે આનંદથી જોવા સહી!
આ ચશ્મ બુરજે છે ચડ્યું આલમ બધી નિહાળવા,
તે ચશ્મ પર પાટો તમે વીંટી હવે શકશો નહીં.
મારી કબર બાંધી અહીં ત્યાં કોઈને સુવારજો!
હું જ્યાં દટાઉ ત્યાં ફૂલોને વેરશો કોઈ નહીં.!
છે શું ફૂલો, શું ઈશ્ક ને શું સૌ તમે જાનારને?
આ માછલું દરિયા તણું તે ઊર્મિઓ ગણતું નહીં.
મને જોઈને ઉડી જતા પંખીઓને
રે પંખીડાં, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?
પાસે જેવી ચરતી હતી ગાય તેવો જ હું છું,
ના ના કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.
ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે;
રે રે! તોયે કુદરતી મળી ટેવ બ્હીવા જનોથી;
છો બ્હીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.
જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો, હા!
પાણો ફેંકે તમ તરફ, રે! ખેલ એ તો જનોના!
દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી,
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.
પ્રિયા કવિતાને છેલ્લું આલિંગ
તારા બહુ ઉપકાર! રસીલી! તારા બહુ ઉપકાર!
તું ઉરનો ધબકાર! રસીલી! તું અશ્રુની ધાર!
આ દિલડાનું ઝેર હળાહળ તું વિણ કો ગળનાર?
બહુ દુઃખિયો પણ દુઃખ શું રોશે? રોતાં ન મળે પાર!
રોતો ત્યારે તારે ખોળે શીર્ષ હતું, દિલદાર!
સહુ ત્યજી ચાલ્યા! તું સુખણી થા! જીવીશ વિણ આધાર!
વીત્યાં સાથે તું વીતી જા! વીત્યાં સ્વપ્ન હજાર!
મારાં આંસુ તારાં ગીતો! પણ ક્યાં હવે સુણનાર?
કોણ દબાવી જિગર નિચોવે? મારો હું જ પુકાર!
આ દિલ સખ્ત થયું! તું કોમલ! તારા ના અહીં કાર!
કેમ હસાયે? કેમ રડાયે? દિલનો તૂટ્યો તાર!
તૂટ્યું વીણા કેમ બજાવું? એ બસુરો ઝણકાર!
આંખ ગઈ છે! ક્યાં છે આંસુ? શું ગાશે સુનકાર?
વિશ્વે છે ના શું એનું એ? છે ક્યાં એ રસધાર?
હવે તો કયાં છે એ મળનાર?
તું રસહેલી! હું રસહીણો! ભેટું છેલ્લી વાર!
પણ હજુ લેજે કદી કદી સાર!
હું ડૂબનારો! તું તરનારી! તરતાને તું તાર!
અરેરે! ડુબતાનો તજ પ્યાર!
જ્યાં જ્યાં નજર મારી ઠરે
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની
માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને જ્યાં જ્યાં
ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !
આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં,
આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની !
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા ;
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની !
દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની ?
ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની !
થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાંયે આશના ;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની !
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં ત્યાં મિલાવી હાથને,
અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની !
પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર :
ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની !
રોઉં ન કાં એ રાહમાં એ બાકી રહીને એકલો ?
આશકોના રાહની જે રાહદારી આપની !
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું :
જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની !
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી :
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની !
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી ;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની !
No comments:
Post a Comment